Sunday, 9 November 2014

" મૃત જ્વાળામુખી" - Part-17

Part-17
કેમ્પ આવતા આવતા સાગરના મનમાં ધમાસાણ મચી ગયેલુ હતું.આ બે જ દિવસમા એની દુનિયા બદલાઈ ગયેલી.હવે કોઈ એને આ મિશન પુરું કર્યા બાદ 1000 કરોડ પણ આપી દે અને સામે સરિતાને આપે તો એ સરિતાને જ પસંદ કરે એમા કોઈ શંકા નહોતી પણ એ જ સરિતાના દાદાને એ મિશન પુરું કરવાનું વચન આપીને આવેલો જેના વિશે એણે સરિતાને પણ નહોતુ બતાવ્યું અને જે લોકોની સાથે એ હતો એ લોકો પણ એમ એને અધવચ્ચે આમ જવા દે એ શક્ય જ નહોતું.હવે આ મિશનને અધવચ્ચે છોડવું મતલબ મૌત.જો કે મિશન પુરું થયા બાદ પણ એ લોકો આ ત્રિપુટીને નહીં જ મારી નાખે એની કોઈ જ ગેરેન્ટી તો નહોતી જ પણ એટલું રિસ્ક તો લેવું જ પડે એમ હતું.આ ગડમથલમાં જ ક્યારે રસ્તો કપાઈ ગયો અને ક્યારે એ કેમ્પ પહોંચી ગયેલો એ એને ખુદને પણ ખબર ન પડી.
કેમ્પના લીડર ખુબ જ કડક હતા આથી સાગરે એમને કન્વિન્સ કરવા માટેના જાતજાતના બહાનાઓ રસ્તામાં વિચારી રાખેલા પણ આ શુ?જોરૂભા અને હનુમંતસિંહ બંન્ને તો ત્રણેયનો સામાન લઈને રસ્તા ઉપર એની રાહ જોઈને જ ઉભા હતા.સાગરને આવતો જોઈને જ જોરૂભાએ એમના મોબાઈલ ઉપરથી એક કોલ કર્યો અને થોડી જ સેકન્ડોમાં કોલ કટ કરે નાખ્યો.
સાગર એ બંન્ને ને આમ રસ્તા ઉપર ઉભા જોઈને આશ્ચર્યચકીત થઈ ગયો અને દોડીને એમની પાસે જઈને બોલ્યો “ જોરૂભા આ બધું શું છે? “
ત્યાં તો એમની ગાડી અને ડ્રાઈવર આવીને ઉભા રહી ગયા.ડ્રાઈવર તો એ જ હતો કે જે જોરૂભાને પઠાણકોટથી અહીં લઈ આવેલો.એનું નામ હતું રફિક.પણ ગાડી આ વખતે જમ્મુ-કશ્મીર પાસીંગની હતી અને સ્પેશીયલી ડીઝાઈન કરેલી હતી કે જેથી ડ્રાઈવર અને એની બાજુની સીટ અને પાછળની તમામ સીટ વચ્ચે એક મોટું પાર્ટીશન હતું.જે ફુલ્લી સાઉન્ડ પ્રુફ હતું. જેથી પાછળ જે વાતચીત થાય એ ડ્રાઈવર સાંભળી ન શકે.જોરૂભાએ સાગરને ચુપ રહેવાનો ઇશારો કરીને એને ગાડીમાં બેસવાનું કહ્યું
સાગર ચુપચાપ ગાડીમાં બેસી ગયો સાથે જ જોરૂભા અને હનુમંતસિંહ પણ.એ સાથે જ રફિકે ગાડી ભગાવી મુકી.થોડી ક્ષણૉ વિત્યા બાદ જોરૂભાએ સાગરની સામે જોયું એ એકીટશે જોરૂભાની સામે જ જોઈ રહ્યો હતો એમના જવાબ માટે.હવે જોરૂભા બોલ્યા
“ મારી ગઈકાલે રાતે જ રિયાઝ સાથે વાત થઈ.એણે કહ્યું કે એમના મુળ પ્લાન મુજબ જે ઈન્સટ્રક્ટર જે કેમ્પને લીડ કરવાનો હતો એ બીમારીને કારણે રજા ઉપર હોવાથી બીજો ઈન્સટ્રક્ટર આવી ગયેલ છે.મુળ પ્લાન મુજબ આપણે વારંવાર અહીંથી ચાલુ કેમ્પે બેંકની મુલાકાત લઈને પરત અહીં આવી જવાનું હતું કે જેથી કોઈને શંકા જ ન જાય.પણ આ ઈન્સટ્રક્ટર સાથે છેલ્લી ઘડીએ હવે કોઈ જ વાતચીત કરવામાં જોખમ છે કદાચ એ ન માને તો બાજી ઉંધી પણ પડી શકે છે. “
“તો હવે? “ સાગર બોલ્યો
જોરૂભા બોલ્યા “ આથી રિયાઝ સાથે થયેલ વાતચીત મુજબ મેં જ તારી ગેરહાજરી બાબતે એ ઈન્સટ્રક્ટરે ઠપકો આપ્યો ત્યારે જ એની સાથે જાણીજોઈને મેં અને હનુમંતસિંહે જીભાજોડી કરી જેથી એણે જ અમને કેમ્પમાંથી તાત્કાલીક ધોરણે આઉટ કરી દીધા.”
સાગરે હનુમંતસિંહની તરફ જોયું એના ચેહરા ઉપર આ કેમ્પમાં આવેલી સુંદર રમણીઓને છોડીને જવાનું જરાયે ગમ્યું નથી એ સ્પષ્ટ દેખાઈ આવતું હતું.પણ બીજી એક વાત મનમાં આવતાં સાગરે પુછ્યું “ પણ જોરૂભા રિયાઝે પુછ્યું નહીં કે હું ક્યાં ગયો છું.”
જોરૂભા બોલ્યા “ એ તો મેં એને સમજાવી દીધું કે તું કોઈ લોકલ છોકરીના ચક્કરમાં ફસાઈ ગયો છું.જેને લઈને દુર જંગલમાં નીકળી ગયો હતો અને રસ્તો ભુલી ગયો હતો.આથી રાત્રે પાછો ફરી શકેલ નથી.”
સાગર બોલ્યો “ અને એ માની ગયો? “
જોરૂભા બોલ્યા “ શા માટે ન માને?જો કે હવે બીજી વખત આ ભુલ રીપીટ થશે અને રિયાઝને એમ લાગશે કે મિશનને અસર થાય છે તો હું પણ વચ્ચે નહીં આવું એમ રિયાઝે કહેલું છે “
આ વાતનો સાગર પાસે કોઈ ચોક્કસ જવાબ નહોતો.આથી એ ચુપ થઈ ગયો અને હિમાલયની વાદીઓમાં ખોવાઈ ગયો અને ગઈકાલે ગાળેલા ખુબસુરત ખ્વાબને પોતાની આંખ સમક્ષ ફરીથી રજુ થતુ જોઈ રહ્યો.જમ્મુ આવતા સુધી કોઈ એક શબ્દ બોલ્યુ નહીં.ચેકપોસ્ટ ઉપર પોલીસ રોકશે એવું લાગતુ હતું પણ રિયાઝે એનો બંદોબસ્ત પહેલાથી જ કરેલો હતો કોઈએ એમને રોક્યા જ નહીં.તેઓ સીધા જમ્મુની મેઈન બજારમાં થઈને નજેકના ટેક્સી સ્ટેન્ડ પાસે આવ્યા ત્યાં પહોંચીને રફિકે કોઈને રસ્તો પુછ્યો અને ગલીકુચીઓમા થી થઈને એણે ગાડી એક હોટેલના ગેઈટ પાસે લાવીને ઉભી રાખી દીધી.
તેઓ ત્રણેય નીચે ઉતર્યા હોટેલની રૂમ સર્વીસ બોય આવીને બધો જ સામાન લઈ ગયો.સામાન ઉતરી જતા જ જોરૂભાએ રફિકને સુચના આપી “ લાંબી પહાડી સફરમાંથી આવ્યો છે.ગાડી પાર્ક કરીને ડ્રાઈવરની રૂમમાં જઈને આરામ કર.જરૂર પડશે તો મોબાઈલ કરીને તને બોલાવી લઈશું.”
રફિક બોલ્યો “ અહીં તમારા બહારના એક પણ નેટવર્ક નહીં ચાલે.ફક્ત બી.એસ.એન.એલ. અને એ પણ પોસ્ટ પેઈડ જ ચાલે છે.આ તમારા ત્રણેયના નવા સીમકાર્ડ છે નંબર કવર ઉપર જ છે.વાંચીને ફાડીને ફેંકી દેજો.”
આથી જોરૂભાએ જુનું સીમ મોબાઈલમાંથી કાઢીને સાચવીને પોતાના વોલેટમા મુક્યું અને જ્યારે નવું સીમ નાખ્યું સીમ ટેસ્ટેડ જ હશે કેમકે મોબાઈલમા નાખતા જ સિગ્નલ આવી ગયા.આથી એમણે એ ફોનમાંથી જ રફિકને એનો નંબર મારવાનું કહ્યું.રફિક એમ કરતાં જ એનો નંબર એમા આવી ગયો જે એમણે રફિકના નામથી સેવ કરી લીધો.રફિક ગાડી લઈને એને પાર્ક કરવા નીકળી ગયો.
હવે જોરૂભા અને સાગર રીસેપ્શનની તરફ ચાલ્યા.ત્યાં જઈને તેઓ ઉભા રહ્યા એટલે રીસેપ્શનિસ્ટે એમને ચાર રૂમની ચાર ચાવી આપી.જોરૂભાએ અને સાગરે એકબીજાની તરફ જોયું અને પચી જોરૂભા બોલ્યા “ અમે તો ત્રણ જ લોકો છીએ. “
રીસેપ્શનિસ્ટ બોલી “ પણ રૂમ તો ચાર બુક કરાવેલા છે. “
જોરૂભા ધીરેથી બોલ્યા “ ચોથો રૂમ કદાચ રફિક માટે હશે.”
રેસેપ્શનિસ્ટ બોલી “ નહીં એ તો ડ્રાઈવર લોકોની સાથે જ ડોર્મિટરીમાં સુઈ જશે.”
સાગર બોલ્યો “ તો આ ચોથો રૂમ કોને માટે છે? “
રીસેપ્શનિસ્ટ બોલી “ એ મને ખબર નથી પણ ચાર રૂમ બુક છે.”
જોરૂભા સાગરની તરફ ઈશારો કરીને બોલ્યા “ અત્યારે ત્રણ રૂમની ચાવી આપો.ચોથા રૂમની ચાવી અહીં જ રાખો.જ્યારે એ આવશે ત્યારે લઈ જશે.”
સાગર બોલ્યો “ હા બરાબર છે એ આવશે એટલે ચોથા રૂમની ચાવી અહીંથી લઈ જશે. “
રીસેપ્શનિસ્ટ બોલી “ રૂમ નં ૧૦૧ થી ૧૦૪ તમારા છે.તમે ૧૦૧ થી ૧૦૩ રાખી લો ૧૦૪ ની ચાવી હું અહીં જ રાખું છું”
આટલું સાંભળતા જ તે બંન્ને રૂમની તરફ ચાલ્યા હનુમંતસિંહ પણ સાથે જ થઈ ગયો.
જોરૂભા બોલ્યા : આ ચોથુ કોણ છે?પહેલા ત્યાં ડેલહાઉસી આવવાનું હતું એ જ તો નહીં હોય ને?”
સાગર બોલ્યો “ કદાચ એ જ હશે.”
હનુમંતસિંહ સાગરની સામે જોઈને બોલ્યો “ યાર કેવી મસ્ત ફટાકડી હતી એકલો એકલો એની હાયરે વાતુ ચીતુ કરી આયવો ને મને ભુલી ગ્યોને?એવું જ હોય સોડીયું હારી હારી ભાઈબંધી ભંગાવે.”
સાગર બોલ્યો “ એવું નથી એ ઈંગ્લીશમાં જ બોલતી હતી અને તને હિન્દીના પણ ફાંફા છે .”
હનુમંતસિંહ બોલ્યો “ એલા પણ હું કાંઈ બોલત જ નહીં ચુપચાપ તમારી બાજુમા ઉભો ઉભો એને જોયા કરત.ખાલી જોવામાં ક્યાં ઈંગ્લિશ કે હિન્દી નડવાનું હતું. “
સાગરને ખબર હતી કે આની સાથે જીભાજોડી કરવાનો કોઈ જ મતલબ જ નથી એટલે એ ચુપ થઈ ગયો અને રૂમ આવ્યો ત્યાં સુધી હનુમંતસિહનુ પુરાણ ચાલ્યું.રૂમ આવતાં જ જોરૂભા વારાફરતી ત્રણેય રૂમમાં ગયા અને ચેક કર્યું કે કોઈ જાસુસી ઉપકરણૉ તો નથી ને?બધું સબસલામત લાગતા બોલ્યા
“અત્યારે બપોરના ચાર થયા છે.નાહી ધોઈને ફ્રેશ થઈને ફીટ પાંચ વાગ્યે તમે બંન્ને મારા રૂમમાં આવી જજો. “
આટલું કહીને સૌ પોતપોતાના રૂમમાં ચાલ્યા ગયાં.રિયાઝે હોટેલ અને રૂમ બહુ જ હોશિયારીપુર્વક પસંદ કર્યા હતાં.એ બધાં જ રૂમ એકબીજા સાથે ઈન્ટરકેંક્ટેડ હતાં.એટલે એમને એકબીજાની રૂમમાં આવવા માટે ફક્ત નેક્સ્ટ રૂમને નોક જ કરવાનો રહે રૂમની બહાર આવવાની જરૂરત જ નહોતી.
શાર્પ પાંચ વાગ્યે સૌ જોરૂભાની રૂમમાં એકઠા થયા.હજી રાત થવાને વાર હતી એટલે જોરૂભા એ પેગ નહોતા બનાવ્યા.જોરૂભાએ સૌને એમના નવા સીમ આપી દીધા અને સૌએ એકબીજાના તથા રફિકના ફોનનં સેવ કરી લીધા.
જોરૂભા બોલ્યા “ સાગર તારા લેપટોપમાં બેંકનો નકશો ફરીથી ખોલીને બતાવ તો. “
સાગરે ફરીથી એ નકશો ખોલ્યો.એમાં દરેક સીક્યોરીટી પોઈન્ટ ઉપર તૈનાત કમાન્ડો ની પોઝીશન અને સંખ્યા પણ હતી.પરંતુ બેંકનો ખુણેખુણૉ સીસીટીવી કેમેરાથી સજ્જ હતો સિવાય કે લોકર રૂમ અને ટોયલેટસ.
જોરૂભા બોલ્યા “ હનુમંતસિંહ ફક્ત લોકર સુધી જઈને એ જોઈ જ શકે છે.પણ જેવું એ લોકરની અંદર રહેલ ચીજને હનુમંતસિંહ અથવા અન્ય કોઈપણ લોકર રૂમની બહાર લાવ્યો એટલે સી.સી.ટી.વી. કેમેરાની મદદથી એને લોકેટ કરીને શુટ એટ સાઈટના ઓર્ડર છે.”
સાગર બોલ્યો “ પણ જો સી.સી.ટી.વી. કેમેરામાં એ દેખાય જ નહીં તો? “
જોરૂભા બોલ્યા “ એ કઈ રીતે શક્ય બને? “
સાગર બોલ્યો “ રિયાઝે મને શા માટે હાયર કરેલ છે આ જ કામ માટે ને?આવતીકાલે આપણે સૌ બેંકમાં જઈશું રેકી કરવા ત્યારે હું હનુમંતસિંહની સાથે જ રહીશ.મારી સાથે જ મારું માસ્ટર હેકર લેપટોપ હશે.હનુમંતસિંહ લોકરમાં જશે ત્યાં સુધીમાં તો હું પુરી બેંકની સિસ્ટેમ હેક કરી લઈશ.પછી જ્યારેજ્યારે હું સિસ્ટેમ હેક કરીશ ત્યારે ત્યારે એ લોકોને સ્ક્રીન ઉપર એ જ દેખાશે કે જે હું એમને દેખાડીશ.”
જોરૂભા બોલ્યા “ પણ હનુમંત બહાર આવશે ત્યારે એનું ચેકીંગ પણ થશે જ ને?એમાં ક્યાં સી.સી.ટી.વી. કેમેરાની જરૂર છે.”
સાગર બોલ્યો “ આ વાત ઉપર તો રિયાઝે પણ ધ્યાન નથી આપ્યું.”
સૌ ચુપ થઈને વિચારવા લાગ્યા.
હનુમંતસિંહ બોલ્યો “ આપણે ઓલી ફિલમુ ની જેમ લોકર રૂમમાંથી જ એક મોટો ખાડો ખોદીને નીસે પાણીની પાઈપલાઈનું માં થઈને બાયણે નીકળીએ એવું કાંઈક કયરું હોય તો? હું બાયણે નીકળું તો ઓલો મને સેક કરે ને ?બાયણે જ નઈ નીકળવાનું અને ઈવડા ઈ લોકોને સોખ્ખુ લખાણ હોય સે કે ગમે એટલી વાર લાગે પણ લોકર રૂમમાં કોઈ એક માણાહ હોય તઈયેં બીજું કોઈ માલીપા નો જઈ હકે.“
જોરૂભાને ટીખળ સુજી એ બોલ્યા “ ઈવડો ઈ મોટો ખાડો કરવાનો કઈ રીતે? “
હનુમંતસિંહ તો આ સાંભળીને ફોર્મમાં આવી ગયો “ ઈ તો આપણે નીસે પાઈપલાઈનમાંથી ખોદવાનું શરુ કરી હકીએ ને કાં તો એક મોટો બોમ્બ લઈને જ સીધો લોકર રૂમમાં ફોડવાનો એટલે મોટો ખાડો પડી જાય પસી એમાંથી સીધા નીસે.”
જોરૂભા બોલ્યા “ અને ઈ બોમ્બ ફોડવાનો થાય ત્યારે તું શું કરીશ લોકરમાં પુરાઈ જઈશ?આવા નોન-સેન્સ ફિલ્મી વિચારો બંધ કર અને જો ખબર નો પડતી હોય તો મોઢું જ બંધ રાખ. “
થોડીવાર થઈ એટલે હનુમંતસિંહ બોલ્યો “ પણ જોરૂભા તે તમને રિયાઝે હું લેવા રાયખા સે.ઈ હંધાયને તમે પુગી નો વળૉ?ઝેવો હું બાયણે આવું એટલે તમારે એની માને આમ હબોહબ ગોળ્યું સલાવીને હંધાયના ઢીમ ઢાળી દેવાના ને રસ્તામાં જેટલા આવતા જાય એટલાને ય આમ ઓલી મશીનગનુ થી મારતા જવાના.”
જોરૂભા બોલ્યા “ તુ પાછો બોલ્યો.એલા ડોબા આ કોઈ વિડીયો ગેઈમ છે કે એકસાથે આટલા બધા કમાન્ડોને હું એકલો મારી શકું.અને માની લે કે બેંકની અંદર રહેલા ગાર્ડસને મારીને આપણે બહાર નીકળી પણ ગયા તો આટલો બધો ગોળીઓનો અવાજ સાંભળીને બહારના ગાર્ડ્સ તુરંત જ મેઈન ગેઈટ કોર્ડન કરીને આપણને મિનીટોમાં ચારણી કરી નાખવાના.”
હનુમંતસિંહ હળવેકથી બોલ્યો “ તો તમને આઈયા મોયકલા હુ કરવા? “
પણ જોરૂભા સાંભળી ગયા “ મને અહીં મારામારી કરવા નથી મોકલ્યો.આખો ફુલપ્રુફ પ્લાન બનાવવા અને એ પ્લાનને છેવટ સુધી એક્ઝીક્યુટ કરવા માટે મોકલ્યો છે.કોઈપણ યુધ્ધ ફક્ત ગોળીઓથી જ નહીં પણ એ યુધ્ધનું સંચાલન કરનારના મગજથી જ જીત કે હારમા પલટતું હોય છે.ગોળીઓ તો બંન્ને તરફ ચલાવનારા સરખા જ હોય છે જીત એની જ થાય છે જેની પાસે જીતનો માસ્ટર પ્લાન હોય.આ વાત તારા મગજમા નથી ઉતરવાની એટલે તું ચુપચાપ સાંભળ્યા કર તારું મગજ બંધ રાખ.તો અમે કાંઈક વિચારી શકીએ. " ફરીથી શાંતી છવાઈ ગઈ.
થોડીવાર થઈ એટલે જોરૂભા એકદમ જ ખુરશીમાં થી ઉછળી પડ્યા અને એમણે લેપટોપ લઈને થોડું સર્ચ કર્યું અને એમને જોઈતુ હતુ એ મળી ગયું એટલે બોલ્યા “ યસ.મળી ગયું.મળી ગયું.”
સાગર બોલ્યો “શું મળી ગયું?”
જોરૂભા બોલ્યા “ ઈનહેલેન્ટ એનેસ્થેસીયા સાગર ઈનહેલેન્ટ એનેસ્થેસીયા.જો આપણે કોઈપણ રીતે ત્યાં લોકર રૂમની બહારના રૂમથી લઈને છેક બેંકના મેઈન હોલ સુધીના પેસેજના તમામ સીક્યોરીટી પોઈન્ટને કવર કરતા પેસેજમાં ઈનહેલેન્ટ એનેસ્થેસીયા ફેલાવી શકીએ તો તમામ સ્ટાફ એકસાથે બેભાન થઈ શકે છે અને આપણે આપણા જ ભાઈઓના ખુનના પાપમાંથી બચી શકીએ છીએ.”
સાગર બોલ્યો “ જોરૂભા હું કોમ્પ્યુટર ના સોફ્ટવેર કે હાર્ડવેરને લગતી કોઈ બાબત હોય તો જાણતો હોઉં પણ આ તમે જે કહો છો એ તો મારે માટે કાળા અક્ષર ભેંસ બરાબર છે.”
જોરૂભાએ એમને સમજાવ્યું કે “ કોઈપણ ઓપરેશન પહેલા પેશન્ટને બેભાન કરવા માટે જે આપવામાં આવે છે એને એનેસ્થેશીયા કહે છે.હવે તેં ક્લોરોફોર્મ નું નામ તો સાંભળ્યું જ હશે.”
હનુમંતસિંહ વચ્ચે જ બોલ્યો “ અરે સાયેબ ઈ તો મેં ને મારા બાપે ય બઉ વાપરેલુ સે.જબ્બર કામ કરે હો ઈ.ઈ સુંઘાડીને કેટલાયને લુંટી લીધા સે અમે લોકોએ.” જો કે બફાઈ ગ્યું હોય એવું લાગતા જ પાછો ઈ ચુપ થઈ ગયો.
જોરૂભા બોલ્યા “ એક્ઝેક્ટલી આ હડબમ ને ય તે ખબર છે ક્લોરોફોર્મ વિશે એને જ ઈનહેલેન્ટ એનેસ્થેટીક કહેવાય.એવો કોઈ ગેસ એક જ સમયે એક સાથે જ ફેલાવી દેવામા આવે તો તમામ સેક્યોરીટી સ્ટાફ બેભાન થઈ જાય.પણ ક્લોરોફોર્મ થોડું રિસ્કી પણ છે ઓવરડોઝ થઈ જવાની બીક છે.”
હનુમંતસિંહ બોલ્યો “ મને ડોબો કયે સે પણ આટલા બધા લોકોને વારાફરતી વારા રૂમાલમા નાખીને કલોરોફોર્મ કઈ રીતે સુંઘાડશો?”
જોરૂભા બોલ્યા “ વાહ આ વાત તે મુદ્દાની કરી.ડોબા એટલી અક્કલ તો મારામા પણ છે કે એમ રૂમાલમા નાખીને સુંઘાડવાનું નથી.”
હનુમંતસિંહ બોલ્યો “ તો ઓલા સુગંધી ફુવારાની જેમ હાથમા ફુવારો લઈને છાંટતા જાવાનું ને ઈ ફુવારો આપણે હુંઘીએ તો આપણે ય નો હુઈ જાઈ? “
જોરૂભા બોલ્યા “ ના એમ કોઈ ફુવારા કે રૂમાલમા નાખીને નહી પણ કોઈ બીજી જ રીતે એ કરવું પડશે.સાથે જ આપણને પણ એની અસર ન થાય એનું પણ કાઈક વિચારવું પડશે.”
સાગર બોલ્યો “ છેલ્લે આપણે ચર્ચા થયેલી કે અંદરની સીક્યોરીટી વિશે તો રજેરજનો નકશો છે આપણી પાસે પણ બહારનુ એકપણ ફુટેજ નથી.એનું શું? “
જોરૂભા બોલ્યા “ મને પણ એની જ ચિંતા છે.ધારો કે બધું જ મેનેજ કરીને તમે બહાર આવી પણ ગયા પણ પછી ત્યાંથી એ લોકો એક ઈંચ પણ આગળ વધવા જ નહીં દે આપણને એનું શું?”
સાગર બોલ્યો “ મને લાગે છે કે રિયાઝે એના વિશે પણ કાંઈક તો વિચાર્યું જ હશે.કદાચ આ નવો આવનાર પાર્ટનર જ એના માટે હોય.”
જોરૂભા બોલ્યા “ બની શકે છે.”
ત્યાં જ રિયાઝનો મેસેજ આવ્યો “ આવતીકાલે સવારે તમારી ટીમમાં એક સભ્યનો ઉમેરો થઈ રહ્યો છે.જે તમને તમારી મુંઝવણનો ઉકેલ આપશે.”
હવે સૌએ નક્કી કર્યું કે જ્યાં સુધી આવતીકાલે રૂબરૂ બેંકની મુલાકાત ન લઈ લેવામાં આવે ત્યાં સુધી ઘણાબધા પ્રશ્નોના જવાબ મળે એમ નથી સાથે જ નવા સભ્યની સાથે સંકલન કરવું પણ એટલું જ જરૂરી છે.આથી અત્યારે જમ્મુની બજારમાં ફરીને ડિનર લઈને પાછા ફરવાનું નક્કી કર્યું.એમની હોટેલ બજાર થી ખુબ જ નજદીક હોવાથી રફિકને બોલાવ્યા વિના જ એ લોકો ચાલતા નીકળી ગયા.બજારમાં અખરોટ અને સુકામેવાની ખરીદી કરી.રઘુનાથ મંદિરમાં જઈને આરતી કરી અને સ્ફટીકના નટરાજની મુર્તી જોઈને અભિભુત થઈ ગયા.જો કે હનુમંતસિંહને તો કોઈ બીજી જ લાગણીઓ ઉદ્ભવી પણ એ બોલ્યો નહીં .
રેસ્ટોરન્ટમાં જઈને પુરી શાક ઓર્ડર કર્યા પણ ઘીમાં તળેલી પુરી નું એક બટકું ખાઈને જ સૌએ બહાર કાઢી નાખ્યું.એ પુરી એમને ગળે ઉતરે એમ જ નહોતી.જોરૂભા અને હનુમંતસિંહ તો નોન-વેજ પણ ખાઈ શકતા હોવાથી એમને વાંધો ન આવ્યો પણ સાગરને તો રાજમા અને રાઈસ થી જ ચલાવી લેવું પડ્યું.એ પણ પરાણે ખાધા.દહીં કે છાસ પણ નહોતી.છાશ ઓર્ડર કરી તો એ લસ્સી લઈ આવ્યો.જેમ તેમ કરીને એ લોકો જમવાનું પતાવીને હોટેલ પરત ફર્યાં.આવતી કાલે સાગર માટે ગુજરાતી સમાજમા જમવાની વ્યવસ્થા કરાવી આપવાનું જોરૂભાએ વચન આપ્યું કેમકે ભુખ્યા પેટ તો મિશન કઈ રીતે પાર પડે?
સૌ જોરૂભાના રૂમમા ભેગા થયા.સાગરે સૌના પેગ બનાવ્યા.
જોરૂભા પેગ હવામાં ઉછાળીને બોલ્યા “ ફોર અવર વિક્ટરી,ચીયર્સ.”
ત્રણેય એ પેગ ટકરાવીને ચીયર્સ કરીને પીવાનું શરુ કર્યું.
અને લિમિટ પુરી થતાં જ સૌ બાકીનું પ્લાનીંગ આવતીકાલે કરવાનું નક્કી કરીને પોતપોતાના રૂમમાં જઈને સુઈ ગયા.