Sunday, 7 September 2014

" મૃત જ્વાળામુખી " - Part-13

Part-13
ખરેખર અનુપમ દ્રશ્ય હતું એ કે જે ધરતી ધર્મના નામે ચાલતા રાજ્કારણને કારણે સમગ્ર વિશ્વમા વિવાદીત ભુમી તરીકે ઓળખાતી હતે એ જ ધરતી ના એક ટુકડામાં બે મહાદેવ અને એક મિયાં હાથ ઉપર હાથ રાખીને પોતાના મિશનને કામિયાબ બનાવવા ની કસમ ખાઈ રહ્યા હતાં.
થોડા સમય પહેલા એકલૌતા પુત્રના મોતથી તુટી ચુકેલા વિશ્વમોહન પંડિતજીમાં જાણે કે કોઈ નવયુવાનને પણ શરમાવી એવી સ્ફુર્તી આવી ચુકી હતી.તેમણે તમામ નકશાઓને થોડી જ વારમાં ફેંદી નાખ્યા.પછી તમામ પંડિતોની યાદી ઉપર એક નજર નાખી લીધી.પછી તેઓ આસિફમિયાં તરફ ફરીને બોલ્યા
“ મિયાં આ તો ફક્ત પંડિતોની જ યાદી થઈ તમારા કશ્મીરી બિરાદરોની યાદી ક્યાં? “
આસિફમિયાં અચકાતા બોલ્યા “ જી એની કોઈ જ પાકી યાદી હજી નથી બની.મેં વાત તો ઘણા જિલ્લાઓમાં ચલાવી હતી પણ હજી એ લોકો  દહેશતગર્દો થી ડરે છે અને.... “ બોલતા બોલતા એ અટકી ગયા
આથી વિશ્વમોહન ભટજી એ પુરું કર્યું  “ અને એ લોકો કાફિરોનો સાથ દેવા નથી માંગતા બરાબર? “
આસિફમિયાં નીચું જોઈને બોલ્યા “ જી હા. પણ હું એમને સમજાવવાનો પ્રયત્ન કરું જ છું. “
વિશ્વમોહન ભટ્ટજી  બોલ્યા “ આસિફમિયાં સાચું બોલજો આ કાફિર,જન્નત,હુર વગેરે મા તમે માનો છો? “
આસિફમિયાં બોલ્યા “ જો એવું હોય તો હું અહીં અત્યારે ઉભો જ શા માટે હોઉં જનાબ.મારા માટે તો આ કશ્મીર જ જન્નત છે અને એની વાદીઓ જ મારી હુર છે.હું દિલોજાનથી આ લડતમાં સામેલ છું અને ઈન્શા અલ્લાહ મારા અન્ય લોકોને પણ આ વાત ટુંક સમયમાં સમજાઈ જશે.” 
વિશ્વમોહન ભટ્ટ બોલ્યા “ જો તમે ખરેખર આ લડાઈમા દિલોજાન થી જોડાયેલા હો અને ઈચ્છતા હો કે બીજા તમારી કોમના અન્ય લોકો જલ્દીથી આપણી સાથે જોડાઈ જાય તો સાહિલને મને સોંપી દો “
આસિફમિયાં બોલ્યા “ પણ એ અમારા ખાનદાન નો આખરી ચિરાગ છે.એને કાંઈ થઈ જશે તો અમારું પુરું  ખાનદાન જ ખતમ થઈ જશે. “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ જેના સ્મશાનની રાખ પણ હજી નથી હોલવાઈ એ પણ મારા ખાનદાનનો આખરી ચિરાગ જ હતો અને એની પુત્રી પણ મારા ખાનદાનની આખરી નિશાની જ છે પણ એનો પણ યોગ્ય સમયે હું આ લડતમાં ઉપયોગ કરીશ જ, આ અશોકનું તો પુરુ ખાનદાન જ સમાપ્ત થઈ ચુક્યું છે તો એને શું જરૂર છે આ લડતની? આટલી સંકુચીત માનસિકતા છોડીને અલ્લાહ ઉપર વિશ્વાસ રાખીને સાહિલને એલાન-એ-જંગ કરવા દ્યો અને એનું તમારી પુરી કોમમાં એલાન કરી દ્યો પછી જુઓ.હુસૈન સાબની કુરબાનીની જેમ જ તમારા દોહિત્રને તમે આઝાદ્દીની વેદી ઉપર કુરબાન કરવા તૈયાર છો એ વાત તમારા ભાઈઓને સમજાવો એ લોકો આ જંગમાં શામેલ થવા માટે પડાપડી કરશે. “
આસિફમિયાં ને આ વાત ગળે ઉતરી ગઈ.એણે આ જ ઘડીથી સાહિલને વિશ્વમોહન ભટ્ટજીને આ ચળવળ માટે સમર્પીત કરી દીધો.
અશોક પંડિત બોલ્યા  “ વિશુ સૌથી પહેલા તો આપણે આજના દિવસે નિયત જગાએ જઈને ભારતીય ધ્વજ લહેરાવવાનો રહેશે.આતંકી ઘટનાને પગલે લોકો ડરેલા છે એમનો ડર ઘટાડીને એમનો વિશ્વાસ પુન:સંપાદીત કરવો જરૂરી છે.”
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ એનાથી પણ વધુ જરૂરી છે કે અહીંના લોકો પોતાના રાષ્ટ્રધ્વજ ને  ઓળખે એને સન્માન આપતા શીખે.એમને ખબર પડે કે એમનો રાષ્ટ્રધ્વજ ચાંદ તારા વાળો લીલો નહી પણ તિરંગો છે.એ એમના માટે પણ એટલો જ સન્માનનીય છે જેટલો દેશના અન્ય દેશવાશીઓ માટે છે.એ લોકો દેશના મુખ્ય પ્રવાહનો હિસ્સો બને નહીં કે કાયમ એક ખુણામાં જ રહીને કુપમંડુકની જેમ જ વિચારતા રહે.જેવું બંન્ને તરફની સરકારો અને દહેશતગર્દો ઈચ્છે છે.”
આસિફમિયાં બોલ્યા “ ઈન્શા અલ્લાહ એવું જ થશે.બસ હવે થોડા જ દિવસો ની દેરી છે.પેલું જુનું ગાયન છે ને? रात भर का है मेहमान अंधेरा किस के रोके रुका है सवेरा। “
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ સુબહાન અલ્લાહ આસિફમિયાં અહીં દેશના બિલકુલ ખુણામાં રહીને કે જ્યાં આજેપણ વીજળી મળવી મુશ્કેલ છે ત્યાં આસપાસમાં પણ કોઈ થીએટર તો હોય નહી.તો તમે હિન્દી ગીતો નો શોખ કઈ રીતે પાળી લીધો? “
આસિફમિયાં બોલ્યા “ આકાશવાણી જનાબ.પહેલા તો બીબી બચ્ચા હતા ત્યારે તો સમય ક્યાં ચાલ્યો જતો ખબર જ નહોતી પડતી પણ હવે તો સાહિલ સુઈ જાય ત્યારે મોડી રાત સુધી હું રેડિયો સાંભળતો રહેતો હોઉં છું ક્યારેક તો સાહિલ પણ સાંભળી લે છે.”
પછી એ ત્રણે ય બુઢ્ઢાઓએ  પુરા ગામને એકત્રીત કરીને એ જ શાળાના ખંડીત કમ્પાઉન્ડમાં મોડું થઈ ગયું હોવા છતાં પણ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો.સૌના ચેહરા ઉપર ડર,દેશભક્તી, વિશ્વમોહન ભટ્ટ જી પ્રત્યે સહાનુભુતી અને મનમાં બૃજ તથા ચારુલતા પ્રત્યે સન્માનની ભાવના હતી.એ સ્થળ ઉપરથી જ આસિફમિયાં એ પોતાના પુત્ર સાહિલને વિશ્વમોહન ભટ્ટજીને કશ્મીરને દહેશતગર્દોથી મુક્ત કરાવવા માટે થનારી ક્રાંતીનો હિસ્સો બનાવવા માટે સોંપવાની ઘોષણા કરી દીધી.જેની દુરોગામી અસર પુરા કશ્મીર પર તો થવાની જ હતી પણ એ ગામમાં થી પણ દશેક યુવાનો આ ક્રાંતીમાં સામેલ થવા તૈયાર થઈ ગયા. 
આથી વિશ્વમોહન ભટ્ટજી એ આસિફમિયાં ની સામે જોયું અને આસિફમિયાંએ પણ જાણે એમની વાતની અસર થતી જોઈને એમને સન્માન  આપતું સ્મિત આપ્યું.
વિશ્વમોહન ભટ્ટજી બોલ્યા “ આ સાહિલ તો માત્ર એક ચિનગારી છે.એ ચિનગારીને જંગલમાં રહેલા સુકા વૃક્ષોની માફક સૌ દેશપ્રેમી કશ્મીરી ના દિલમાં લગાવો જેથી દાવાનળ પ્રગટે.જેના તાપમાં તમામ દહેશતગર્દો ભસ્મીભુત થઈ જાય.
આ સાંભળીને ત્યાં હાજર સૌએ વિશ્વમોહન ભટ્ટજીને તાલીઓથી વધાવી લીધા.
ત્યાર બાદ આસિફમિયાં ને આસપાસના ગામો અને સમગ્ર જમ્મુ-કશ્મીરમાં ઘુમીને એની કોમના બંદાઓને આ મિશન માટે એકત્ર કરવાનું સોંપીને વિશ્વમોહન ભટ્ટજી અને અશોક પંડિતજી દિલ્લી પરત આવી ગયા એમની સાથે જ સાહિલ પણ હતો.દિલ્લી આવીને સૌ પ્રથમ એમણે હજી નાની સરિતાને એના માતા પિતા વિશે કંઈજ બતાવવાનું મુનાસિબ ન માન્યું પણ એને સુરક્ષાના કારણૉસર દેહરાદુનની એક બોર્ડીંગ સ્કુલમાં એડમિશન અપાવી દીધું.એમણે તો સાહિલને પણ હાલ એનો અભ્યાસ ચાલુ રાખવો હોય તો ત્યાં જ એડમિશન અપાવવા માટે પુછ્યું પણ એ બૃજના વિચારોને ઘોળીને પી ગયો હતો.એણે આગળ ભણવાની ઘસીને ના પાડી દીધી અને એમના ગ્રુપની કામગીરીમા જોડાઈ ગયો.
હવે સૌથી પહેલા તો એમણે ગ્રુપ બનાવતા પહેલા જ એક એવી જગાની તલાશ કરી દીધી કે જે જગાએ તેઓ આસાનીથી આ જ દેશમાં રહીને પણ દેશમાં સૌની નઝર થી છુપાઈ ને રહી શકે.જેનું રીસર્ચ કરતા કરતા એમણે થોડી જગાઓ પોઈન્ટ આઉટ કરી જેમાં રાજસ્થાનનું રણ ની સાથે કેરાલાના જંગલોથી માંડીને ગિરનારની ગુફાઓ પણ સામેલ હતી.જે છુપાવા માટે તો પરફેક્ટ હતી પણ ત્યાંથી કશ્મીરનું લોકેશન દુર પડતુ હતું. છેવટે એમણે એમના પરમ મિત્ર એક ખુબ જ અંગત પણ વિશ્વાસુ રીટાયર્ડ આર્મી ઓફિસર જાદવની  મદદ લીધી.તેઓ આટલા વર્ષોથી સરકારોની ઢીલી નીતીઓને કારણે સરકારથી સખ્ત નારાજ હતા.આથી તેઓ પુરો પ્લાન સાંભળીને ફક્ત જગા માટે જ નહીં પણ એમની આખી ટીમને ટ્રેઈનીંગ આપવા માટે પણ તૈયાર થઈ ગયા એ પણ ફ્રીમાં.  
તેમણે ડેલહાઉસી પાસે આવેલ ગાઢ જંગલ વિસ્તારમાં આવેલ આ જગા વિશે જણાવ્યું.આ જંગલ એટલું બધું ગાઢ છે કે સેટેલાઈટમાંથી પણ અહીં નું ક્લીયર પિક્ચર ક્યારેય ન મળી શકે જ્યારે ઉંચી ટેકરીઓ પરથી જુએ તો પણ ફક્ત વૃક્ષો સિવાય કંઈ જ ન દેખાય પણ એ વૃક્ષોના ઝુંડોની વચ્ચો વચ આ જગા આવેલી છે કે જ્યાં આવડી મોટી કોલોની બની જવા છતાં ઉપરથી  બિલકુલ કોઈના ધ્યાનમા આવે એમ જ નથી.જ્યારે જંગલ ના તમામ ઓફિસર્સ સાથે જાદવ સાહેબને ખુબ જ સારા સંબંધો હોવાને કારણે પગપાળા રસ્તે જ્યાંથી સાગર અને સરિતા આવ્યા ત્યાંથી ખુદ જંગલના કર્મચારીઓને પણ વર્ષોથી આજસુધી આવવાની મનાઈ છે.છતા જો કોઈ અહી સુધી પહોચી પણ જાય તો આરંભ ના રસ્તાઓમાં જ માઈન્સ છુપાવેલી છે કે જેની જગાની કેમ્પના તમામ સભ્યને ખબર છે.એટલે કોઈ પ્રવેશે એટલે ક્યાંક તો માઈન્સમાં ઝડપાઈ જ જાય અને બ્લાસ્ટ થતાં જ એમને  જાણ થઈ જાય.જો કે હવે તો છેક આ જગાના એન્ટ્રેન્સથી લઈને તમામ અગત્યની જગાઓ ઉપર સી.સી.ટી.વી. કેમેરા જ ફિટ કરાવી લીધા છે.  
લોકેશન ફાઈનલ થયા બાદ તુરંત જ વિશ્વમોહન ભટ્ટજીએ સાહિલને આસિફમિયાં એ તૈયાર કરેલા તમામ મુસ્લીમોને તથા અશોક પંડિતને તમામ પંડિતોનું લિસ્ટ લઈને એમને એક નિશ્ચિત તારીખે નહીં પણ તબક્કાવાર એ લોકોને ગુપ્ત રીતે પહેલા દિલ્લી લઈ આવવાની જવાબદારી સોંપી.કેમકે થોડા થોડા ગ્રુપમાં આવનારા લોકોને પહેલા વિશ્વમોહન ભટ્ટજી ચકાસવા માંગતા હતા.એમાંથી જે એમની તથા જાદવ સાહેબની આકરી મનોવૈજ્ઞાનિક તથા શારીરીક કસોટીમાંથી ઉત્તીર્ણ થઈ શકે એમને જ તેઓ લોકેશન બતાવવા માંગતા હતા.આથી થોડા એવા લોકો કે જે એમની કસોટીમાં ફેઈલ થયા એમને ભવિષ્યમાં મદદ માટે જે સ્લીપર યુનીટની જરૂર પડશે એમાં કામમાં લઈશું એવી બાંહેધરી આપીને સમજાવવા પડ્યા.બાકી તેઓ પાછા જવા જ તૈયાર નહોતા એટલો એ બધાનો જુસ્સો હતો કેમકે બૃજે એ તમામને ટકોરા મારીને જ શોધ્યા હતા.પણ અમુક શારીરીક રીતે નબળા નીકળ્યા તો અમુક સાયકોલોજીકલ ટેસ્ટમાં ફેઈલ થયા.એ સૌને પોતપોતાના વતનમાં પરત મોકલીને પાસ થયેલ ઉમેદવારોને પહેલા ડેલહાઉસીમાં એક્ઠા કરવામાં આવ્યા.
આખરે નક્કી કરેલ દિવસે સૌ કોઈ અહીં જ એકત્ર થયા.
સલામતી અને ગુપ્તતાના કારણૉ થી આસિફમિયાં ને નહોતા બોલાવ્યા.   
વિશ્વમોહન ભટ્ટજી એ બોલવાનું શરુ કર્યુ “ આ આપણું ઓર્ગેનાઈઝેશન એ કશ્મીર અને તમામ કશ્મીરીઓને દહેશતગર્દીમા થી મુક્તી અપાવવા માટેનુ છે. વ્યુહાત્મક લડાઈ માટે તથા તમામ ફંડ તથા શસ્ત્રોની ખરીદી માટે અશોક પંડિતને હું જવાબદારી સોંપું છું.જ્યારે તમને તાલીમ આપવાની સંપુર્ણ જવાબદારી જાદવસાહેબની છે.
એક વાત યાદ રાખવાની છે કે  જે લડત આપણે શરુ કરી રહ્યા છીએ એ લડતમાં અનેક લોકોને મોતને ઘાટ ઉતારવા પડશે.આપણને વર્ષોથી अहिंसा परमो धर्म: મતલબ અહિંસા મનુષ્યનો પરમ ધર્મ છે એ તો ગાઈ વગાડીને શીખવવામાં આવ્યું છે પણ આગળનું એનું જ અનુસંધાન धर्म हिंसा तदैव च અર્થાત ધર્મની રક્ષા કાજે કરાયેલ હિંસા એનાથી પણ શ્રેષ્ઠ ગણેલ છે.એટલે ઘણી વખત નિર્દયી પણ બનવું પડશે પણ એ વાત ક્યારેય નથી ભુલવાની કે આપણે ક્રાંતીકારીઓ છીએ હત્યારાઓ નહીં.હાથમાં હથિયાર આવે એટલે લોકો માં એક જાતનો મદ છવાઈ જતો હોય છે.પણ હું બેજવાબદારી બિલકુલ બરદાશ્ત નહીં કરું.જો આપણામાંથી જ કોઈના દ્વારા કોઈ મિશન વખતે હથિયારના નશામાં કોઈ નિર્દોષને કનડગત કરવાની કોશિશ કરી છે કે કોઈ સ્ત્રીની આબરુ ઉપર હાથ નાખવાની કોશિશ કરી છે તો મહાદેવના સૌગંધ એના આ જ ચોકમાં હું ઉભા કટકા કરી નાખીશ.(આ સાંભળતા જ સન્નાટો છવાઈ ગયો.થોડીવાર ચુપકીદી છવાઈ ગઈ.)
પછી ફરીથી વિશ્વમોહન ભટ્ટૅજી બોલ્યા “ મેં ક્યાંક વાંચેલું છે કે Great power comes with great responsibilities.અર્થાત જેટલી વધુ સત્તા મળે એટલી જ વ્યક્તીમાં જવાબદારીનું ભાન વધવું જોઈએ.આપણે ફક્ત અમુક લોકોની હત્યા નથી કરવાની એ પુરી વિચારધારાને જ જડમુળથી નષ્ટ કરવાની છે.નહીંતર બીજા દહેશતગર્દો પેદા થશે.
આથી મેં જે છેલ્લે કહેલું તેમ દાવાનળ થી પણ વિશેષ એક જ્વાળામુખી પ્રગટાવવાનો છે.સૌના દિલમાં એક મૃત જ્વાળામુખી સંઘરીને રાખવાનો છે કે જે કસમયે નહીં ફાટતા ધીરજ ધરે.યોગ્ય સમય આવ્યે પ્રચંડ વિસ્ફોટથી ફાટે અને આસપાસ રહેલ તમામ દુશ્મનોને નેસ્તનાબુદ કરી દે.ત્યારે જ બૃજે જોયેલું સપનું આપણે સૌ પુરુ કરી શકીશું.”
અને ત્યાં હાજર સૌ એ વિશ્વમોહન ભટ્ટજીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા.
જાણે કાલની જ વાત હોય એમ વિશ્વમોહન ભટ્ટજી એ તાલીઓની ગુંજને વાગોળી રહ્યા હતા.
થોડો સમય વિરામ લઈને વિશ્વમોહન ભટ્ટજી ફરીથી  બોલ્યા “ તું અહીં શા માટે આવ્યો છે તને કોણે મોકલ્યો છે તથા તારી સાથે કોણ કોણ છે એ તમામ વિગતો ની મને ખબર છે.”
આ સાંભળીને સાગર ઘડીભર તો સ્તબ્ધ થઈ ગયો.

                                                    

No comments:

Post a Comment